પળ છું નાજુક ઉઠાવ ધીમે થી ,
આંખમાં તું સમાવ ધીમે થી ,

એ ભલે હોય જળ કે હો મૃગજળ,
કોઈ આવે છે નાવ ધીમે થી ,

શબ્દ વચ્ચે નું મૌન પણ સાંભળ ,
અર્થ જેવું બિછાવ ધીમે થી,

ક્યાંક ઠેબે ચઢું ન એ બીકે
હું કરું આવજાવ ધીમે થી,

માંડ નીરવ થયો અવાજો માં ,
તું મને ખળભળાવ ધીમે થી.

વ્હાણ જેવો હું હોઉં દરિયાનું ,
૨ણમાં મુજને ચલાવ ધીમે થી

એમ તારા વિચારમાં હું છું,
જેમ વહેતી હો નાવ ધીમે થી ,

ક્યાંક મારો અભાવ લાગે તો,
આ ગઝલ ગુનગુનાવ ધીમે થી,

-મહેશ દાવડકર

સ્વરઃ અમન લેખડિયા
સ્વરાંકન : હરીશ ઉમરાવ