અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

– સંજુ વાળા

સ્વરઃ ડો ભરત પટેલ
સ્વરાંકન :ડો ભરત પટેલ
સંગીત :ડો ભરત પટેલ

ખાસ નોંધ :
આજે એક જ ગઝલ નો બીજો ભાગ. પહેલા ભાગ માં મત્લા અને 3 શેર લીધા હતા બીજા ભાગ માં પણ મત્લા અને અન્ય 3 શેર. કુલ મત્લા અને 6 શેરની લાંબી બહેર ની આ ગઝલ. ગઝલ ના શેરના ભાવ અનુરૂપ એજ સ્વરાંકન માં માત્ર તાલ ની પેટર્ન, ઠેકો, બદલવાથી કેવો અદભુત changeover આવે એ બતાવવા ની કોશિશ કરી છે અને સંગીતમાં તાલ, ઠેકા, લય નું કેવું અદભુત મહત્વ છે એ પણ એક નવો પ્રયોગ છે.
-ડો ભરત પટેલ