રાહ જોતા કોઈની હું સૂઈ ગયો’તો ને પછી –
એક રસ્તો જાગતો બેસી રહ્યો’તો ને પછી –

કોઈ ભીની વાત લઈને ત્યાં મળ્યો ઉત્તર મને –
મેં અમસ્તો કોઈને કાગળ લખ્યો’તો ને પછી –

બસ દિવસ જેવો દિવસ ડૂબી ગયાનું યાદ છે,
એક માણસ આ ગલીથી નીકળ્યો’તો ને પછી –

ક્યાં જવું આ શહેરને છોડી હવે બીજે કશે,
એક સરખા છે બધેબધ માણસો ‘તો ને પછી –

કોઈની કાંધે ચઢી ‘કૈલાસને જાવું પડ્યું,
જિંદગીનો ભાર એ જીરવી ગયો’તો ને પછી –

-કૈલાસ પંડિત

સ્વર : ડો.પરાગ ઝવેરી
સ્વરાકંન : વિનોદ સરવૈયા