ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો

જરૂર પડી જગદીશ્વરને પણ ગાંધી જેવા જણની
એણે ખૂંચવી લીધી મોંઘી માટી આ ભારતની

એના વિના ના મારગ સૂઝે આતમડો અટવાઇ ગયો
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો

એની હિસા જેણે ના કદી હિંસાનો વિચાર કર્યો
એની ચિતાને ચેતવનારો અગ્નિ પણ શરમાઇ ગયો

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો

– અવિનાશ વ્યાસ

સ્વર : ગૌરવ ધૃવ
સ્વરાંકન : અવિનાશ વ્યાસ

સૌજન્ય : પ્રણય વસાવડા