વાંસળીથી વિખૂટો થઇને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય..
કે મારગની ધૂળને, ઢંઢોળી પૂછે, મારા માધવને દિઠો છે ક્યાંય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય..

યમુનાના વ્હેણ, તમે મૂંગા છો કેમ? કેમ રાધાની આંખ આ ઉદાસ…
વહી જતી લહેરખી ને વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ…
કે બાવરી વિભાવરી ના પગલાંથી લાગણીની રાતરાણી ઝાકળથી ન્હાય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. – વાંસળીથી વિખૂટો

ઉડતું આવે જો અહીં મોરપિચ્છ તો તો અમે રાખશું સુંવાળા રંગ…
મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક…
કે જળમાં આ તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિ પરખાય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. – વાંસળીથી વિખૂટો……

-હરીન્દ્ર દવે