કૈં ઈશ્વરની જેવું મળે ક્યાંક તમને,
હો મંદિર કે રસ્તે, એને ઊજવી લો,
ને માણસની જેવું કળે છાતીએ જો,
વધાવી લો ફૂલે, એને ઉજવી લો.

ફરક આપણામાં બહુ નાનકડો અમથો,
તું તોળીને બોલે, હું બોલીને તોળુ,
ખુલાસાઓ ઓસરતા જાય પછીથી,
જે ખામોશી ઊઘડે એને ઉજવી લો.

જે આપણને મૂકીને ચાલ્યા ગયા છે
એનો ગમ ઉઠાવીને ક્યાં સુધી જીવશું?
એ સંભવ છે પૂરો જૂનું જે ગયું છે,
નવા નામે મળશે, એને ઉજવી લો.

થવાકાળ ભેગાં થયાં આપણે સૌ,
થવાકાળ છુટ્ટા પણ પડતા જવાના,
આ મૂડીમાં મુઠ્ઠીભર સ્મરણો બચ્યાં છે,
એ આંખે વળગશે, એને ઉજવી લો.

હો મીરાંનાં ગીતો કે ગાલિબની ગઝલો,
કે પરવીનની ખિન્ન કરતી અછાંદસ,
પ્રકારોના વળગણને બાજુએ મૂકી,
હૃદયને જે સ્પર્શે એને ઊજવી લો.

-હિતેન આનંદપરા

સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકનઃ આલાપ દેસાઈ