બધાયે    મેલ   ધોઇને   તને મેં  ફૂલ  આપ્યું  છે
મેં આંગળીઓ   નીચોવીને તને મે ફૂલ આપ્યું છે

તને જોઈ રહ્યા’તા ત્રાંસી આંખે એક સાથે  સહુ
ફૂલોનું    વેર   વ્હોરીને તને મેં ય  ફૂલ આપ્યું  છે

હવે બદલું તો મારું લોહી પણ ફિટકારશે ખુદને
નસેનસમાં   ઝબોળીને તને  મેં ફૂલ   આપ્યું  છે

તને   આપ્યા   પહેલા માત્ર  મૂર્તિને  ચડાવ્યું  છે
લીધેલો  માર્ગ  છોડીને  તને   મેં   ફૂલ આપ્યું છે

તને ફૂલ   આપવાનું છે એની મસ્તી’ને મસ્તીમાં
મને  ફૂલોથી જોખીને તને   મેં   ફૂલ આપ્યું   છે

– સ્નેહી પરમાર

સ્વર : ડો. ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ