છત મળશે ને છત્તર  મળશે, ગોદ   માતની  ક્યાં?
શયનખંડ ને  શય્યા મળશે, સોડ   માતાની  ક્યાં?

રસ્તા   મળશે, રાહી  મળશે, રાહત  માની  ક્યાં ?
ચાંદ સૂરજ  ને તારા મળશે, આંખો  માની  ક્યાં ?

પલ્લવ ને પુષ્પો   તો  મળશે, પાલવ માનો  ક્યાં?
સૂર, તાલ ને સંગીત  મળશે, ટહુકો   માનો  ક્યાં ?

હાજર હાથ હજાર હોય પણ છાતી માની  ક્યાં?
બારે  ઉમટે  મેહ,    હેતની   હેલી    માની   ક્યાં?

ભર્યા ઉનાળે પરબ સરીખી   છાયા  માની  ક્યાં?
ભર્યા શિયાળે   હૂંફ   આપતી  માયા માની ક્યાં ?

-ચંદ્રકાન્ત શેઠ

સ્વર : ઓસમાણ મીર
સ્વરાંકન : અમર ભટ્ટ
આલબમ: હરિને સંગે