માડી તારાં મૂલ કહેને કેમ કરીનેે થાય?
અમને થોડા ભરવા માટે આખી તું ખર્ચાય!

પા પા પગલી કરતો ત્યારેે, આજે તો હું દોડું છું!
તારો ખોળો યાદ કરીને દુનિયાને ધમરોળું છું!
‘ખમ્મા ખમ્મા’ ડગલે-પગલે આજે પણ સંભળાય….
માડી તારાં મૂલ કહેને કેમ કરીનેે થાય?

પરિવારમાં પ્રાણ ફૂંકાતા ચૂલો જ્યારેે ફૂંકતી તું !
રોટી ને રીંગણની સાથે નકરું હેત પીરસતી તું !
મોંઘેરી એ મીઠાશ આગળ અમૃત પણ શરમાય….
માડી તારાં મૂલ કહેને કેમ કરીને થાય?

રોજ કાંખમાં ઊંચકી અમને કામ બધાં તું કરતી ;
અમને ઊંચકી રાખી સાથે ઘર આખું ઊંચકતી!
એક ઓરડો પણ મારાથી આજે ના ઊંચકાય….
માડી તારાં મૂલ કહેને કેમ કરીને થાય?

ભાન ભુલી તું અમારી અંદર એવી છેક ઊતરતી!
દિવસો સુધી માડી તું ના ખુદમાં પાછી ફરતી!
હજુય ભીતર તારી યાદો ગીત મજાના ગાય,
માડી તારાં મૂલ કહેને કેમ કરીને થાય?

-ડૉ.મનોજ જોશી ‘મન’ (જામનગર)

સ્વર : જિગીષા ખેરડીયા
સ્વરાંકન : શૌનક પંડયા