આંસુ વિણ  હરફરવાનું  દુ:ખ  કોને   કહેવું
સાવ  સૂકું  ઝરમરવાનું   દુઃખ   કોને  કહેવું

અમે અતળના   મરજીવાને   ક્યાં ધક્કેલ્યા
કોરાં  મૃગજળ  તરવાનું   દુઃખ  કોને  કહેવું

કોઈ તજેલાં સ્થળનાં સ્મરણો પગને વળગે
એ   બંધન    લઈ  ફરવાનું દુઃખ કોને કહેવું

કશાય   કારણ વિના ઉદાસી નિત મ્હોરે ને-
પર્ણ  લીલાં  નિત ખરવાનું  દુઃખ કોને કહેવું

કૈ   જ  લખાતું  ના  હો  એવા દિવસો વીતે
ઠાલા  શ્વાસો  ભરવાનુંં   દુઃખ  કોને   કહેવું

-મનોજ ખંડેરિયા

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા