આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ!
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ

આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝાં તોફાન
ભૂલીને ભાન ભ વર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન
આંબલિયે બજવે છે કોકિલ બાંસૂરિયા અંતરને ઊંડે ઉછાળ
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ…

લૂમઝૂમની મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના
નજરૂને હેરી ને જોયું જરીક….કેવાં ઊંડે પતંગિયા અજંપનાં!
થઈને ગુલાલ આજ રંગે ધરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ
સાંવરિયા રમવાને ચાલ…

-સુરેશ દલાલ

સ્વર: માલિની પંડિત- આરતી દવે
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા