પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાને પડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળ ના વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણે ગણતું ?
વાદળાના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર રહે વણતું
ઉઘાડી આંખે આ જાગતા ઉજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ !

નીંદરતી આંખ મહીં ઉમટીને ઉભરાતું
જાગે છે સપનાનું ટોળું
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ નહીં ડહોળું
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતેષ !

-જગદીશ જોષી

સ્વર : માલિની પંડિત
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા