રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વહેતું ના મેલો ઘનશ્યામ
સાંજને સવાર નીત નિંદા કરે છે ઘેલું
ઘેલું રે ગોકુળિયું ગામ……

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
કે ખાલી બેડાંની કરે વાત
લોકો કરે છે શાને દિવસ ને રાતડી
મારા મેહનની પંચાત
વળી વળી નીરખે છે, કુંજગલી પૂછે છે
કેમ અલી, કયાં ગઈ’તી આમ…

કોણે મુક્યું રે તારે અંબોડે ફૂલ એની
પૂછી પૂછી ને લીએ ગંધ
વહે અંતરની વાત એતો આંખ્યુંની ભૂલ જોકે
હોઠોની પાંખડીઓ બંધ
મારે મોહેથી ચહે સાંભળવા સાહેલીએ
માધવનું મધ મીઠું નામ…

-સુરેશ દલાલ

સ્વર :રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા