હે જી ફાગણ આયો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો
હે જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો
એવા સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો

હે જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યો
એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો
હે જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો
એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો

હે જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો
એની રાત ઢળે રળિયાત રે કઈ ફાગણ લ્યો
હે જી ઊડે કસુંબો આંખમાં કોઈ ફાગણ લ્યો
એને વન પોપટની પાંખ રે કોઈ ફાગણ લ્યો

હે જી ગગન ગુલાબી વાદળાં કોઈ ફાગણ લ્યો
જોબનિયું કરતું સાદ રે કોઈ ફાગણ લ્યો
હે જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો

-રાજેન્દ્ર શાહ

સ્વર :ભવન્સ ગાયક વૃંદ