કહીં છે એ જીગર મ્હારું કહીં છે આંસુની ધારા,
કહીં આનંદ છે મ્હારો, સહુ મિજમાન એ પ્યારાં,
સહુ મે’માન બે દિ’ના, હવે ઘરે આખરે સૂનું,
ઉપાડું ભાર હું મ્હારો , મદદ કોની કહીં માગુ

દયાના શબ્દો કાને પડે ભણકાર ના કો’દિ
સદાની પાયમાલીના ભર્યા ભણકાર છે આંહિ
અરેરે ઈશ્ક ! તું માં હો ! બહુ આનંદ રેલ્યો’તો
હતો હું ચાહતો ત્યારે ભરી દિલ ખૂબ મ્હાલ્યો’તો

અરેરે ! ઈશ્ક તું માં રે ! ભર્યા પ્યાલાં ગમીનાં એ
હવે તે જાતથી મ્હારી કરું સાબિત છું આજે
મગર છાલાં પડેલું આ જીગર જ્યાં ખૂન ચાલે છે
હવે આરામ આ આવ્યો ! કહે ધબકારમાં આજે

-કલાપી

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા