એવો પાધરમાં દીઠો અમિયલ આંબલો
એનાં ફળ રે મીઠાં ને તૂરી છાલ
મૈયર પાછું સાંભરે…

આંખ્યું જેવી મંડાણી લીલાં પાંદડે
રાતી શેડયે ભરાણાં કૂણાં ગાલ
મૈયર પાછું સાંભરે…

આછા આછા પવન આછી ઓઢણી
અમે આછેરા પૂછ્યા સવાલ
મેયર પાછું સાંભરે..

કાળા કેશ ને કાળી કાળી કાંસકી
કિયા કામણથી કીધા કમાલ
મૈયર પાછું સાંભરે…

એક ઠેસે ફંગોળી નાખ્યો હીંચકો
ભેળાં હાલ્યાં ઊડાડી ગુલાલ
મૈયર પાછું સાંભરે..

આજ પાણી પીધાં ને ચાવ્યાં ટોપરાં
લાજું રાખી’તી શ્રીફળની કાલ
મૈયર પાછું સાંભરે..

પાછું ડગલું ભરીને ભૂસી કેડિયું
આગળ ઊભી અજાણી દીવાલ
મૈયર પાછું સાંભરે…

-વિનોદ જોશી

સ્વરઃ વિરાજ ઉપાધ્યાય અને બિજલ ઉપાધ્યાય
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા