લાગણીની     વ્યગ્રતા   છે    ટેરવાં,
બંધ   દ્વારોની    વ્યથા  છે    ટેરવાં.

ખાનગી    સંબંધના    છે   ખેપિયા,
ખૂબ   જોકે    બોલકાં   છે    ટેરવાં.

ભેદ   પૂરા  હાથનો  જાણ્યા   પછી,
રાત   દિ’ જાગ્રત  રહ્યા   છે   ટેરવાં.

આંખમાં ભીનાશ  છે  ઊભરી હતી,
એ   બધીયે  પી   ગયા    છે   ટેરવાં.

હોઠમાં   ખુશબૂ   ભરી   છે  ફૂલની,
કેટલાં   મઘમઘ   થયાં   છે    ટેરવાં.

-કૈલાસ પંડિત

સ્વરઃ શેખર સેન