અહો કેટલા દિવસો મહિના વર્ષો વિત્યા
જન્મોની તો વાત અલગ છે
હજી આપણો એમનેએમ આ સાથ ઊભો છે
છતાંય એવું કેમ બન્યું કે મારો તમને હજી પૂછવો બાકી છે તે મને પરણશો?
સવાલ ત્યાં ને ત્યાં જ ઊભો છે

પ્રેમ એટલે શું એના ઉત્તર. થોક ભરીને
છાપાં ચોપડીયુંમાં લોકે ભાખ્યા છે
પણ નહીં સમજાયા આપ કહો ને

તાજમહાલ પણ રોજ સવારે પથ્થર પથ્થર અફળાવીને
એક કબરને હજી પૂછે છે
હા કે ના મુમતાજ કહોને
એક શબદ માં સમજાવી દો અમને કે
અમ થી મનમાં જાગે છે
તે નક્કર આશા છે કે નકરો ભ્રમ ઊગ્યો છે
એમાં એમ કેમ બન્યું કે
મારો તમને હજી પૂછવો બાકી છે
તે મને પરણશો?
સવાલ ત્યાં ને ત્યાં જ ઊભો છે

નહીં કહો ને તોયે પાછા કાલ કહેશો પછી
કોક દી કહેશો એવા સધિયારાની
પાળે બેઠાં નીર નીરખતા રહીએ
બે ધારી તલવાર અડે તો બંને બાજુ છે માનીને
હજી જીત્યાના અંધારામાં ફરી ફરીને તીર તાકતા રહીએ
આ એવું તે કેવું કે આ કંઈક બોલવા જઈને
પાછા એકબીજાએ અટકી જવું એમ કહીને
કે સામે જો સંસાર ઊભો છે
એમાં એવું શુય બન્યું કે
મારું તમને હજી પૂછવો બાકી છે
તે મને પરણશો?
સવાલ ત્યાં ને ત્યાં જ ઊભો છે

-ધૃવ ભટ્ટ

સ્વરઃ પ્રગતિ વોરા અને નીલ વોરા