આંખોનો   ભેદ   આખરે   ખુલ્લો   થઇ  ગયો.
બોલ્યા  વિના  જ   હું  બધે  પડઘો  થઇ  ગયો.

આ  એ   જ   અંધકાર   છે  કે  જેનો  ડર  હતો.
આંખોને  ખોલતાં  જ   એ  તડકો   થઇ  ગયો.

જળને  તો  માત્ર  જાણ  છે,  તૃપ્તિ  થવા  વિષે.
મૃગજળને   પૂછ  કેમ    હું  તરસ્યો  થઇ  ગયો.

તારી કૃપાથી તો  થયો કેવળ  બરફનો  પહાડ
મારી    તરસના   તાપથી  દરિયો   થઇ  ગયો.

મસ્તી   વધી    ગઇ  તો    વિરક્તિ   થઇ  ગઇ
ઘેરો   થયો   ગુલાલ   તો   ભગવો   થઇ  ગયો.

– જવાહર બક્ષી

સ્વર :આલાપ દેસાઈ
સ્વરાંકકન :આલાપ દેસાઈ
આલ્બમ : ગઝલ રુહાની

સૌજન્ય : પ્રણય વસાવડા