સંતોસપ્તક

પાકે નહિ જે સડે (ભજનીય ચતુષ્કલ)

પાકે નહિ એ સડે!
રે સંતો! પાકે નહિ જે સડે!
તપે નહિ તે તન/ઘટને કોઈ અસલ રંગ ના અડે!
રે સંતો! પાકે નહિ જે સડે!

આઘા રહી રહી તળ-વાદળના કરીએ ના અનુમાન
આંખ મીંચાવાના કારણમાં માત્ર હોય નહિ ધ્યાન
ક-ઠેકાણે ખાંખાંખોળે, ખરી જણસ નવ જડે!
પાકે નહિ એ સડે!
રે સંતો! પાકે નહિ જે સડે!

જાગે, જાણે. જપશે એને જડશે, નહીં મીનમેખ
વણ દીધું વરદાન કહો, કે કહો લોહ પર રેખ
ભર્યા રહે ભરપૂર, કયાંય પણ ના ઊતરે, ના ચડે!
પાકે નહિ એ સડે!કે
રે સંતો! પાકે નહિ જે સડે!

તૂટે એવું તણાય નહીં, ના ઢબી જનારી ઢીલ
સમભાવી થઈ સમ પર રહેતાં જેમ આભમાં ચીલ
નીવડેલાનાં પોત પારખી ખુદ પોતાને ઘડે!
પાકે નહિ એ સડે!
રે સંતો! પાકે નહિ જે સડે!

-સંજુ વાળા
નવનીતસમર્પણ-મે-૨૦૨૧