મેં તો કમખામાં મોરલો ગૂંથ્યો રે
ઊડ ઊડ અડિયલ પોપચે બેઠું પારેવડું
આંખ વરાસે હું મૂઈ અજવાળું મીચું
મારે ઓશીકે સાથિયો ઊગ્યો રે
ફળિયા વચ્ચે લીમડો લીમડે બોલે કાગ

ઝાંઝરીયાળા જીવમાં ધમકે ઘૂઘરમાળ
મેં તો લોચનમાં દીવડો મૂક્યો રે
છાતી છલવલ ચાકડો નજરું નવસર હાર
ચીતડું સરરર ચુંદડી મરજાદુ મોઝાર
મેં તો કાયાનો કેવડો સૂંઘ્યો રે…. કેવડો સૂંઘ્યો રે…

-મનહર જાની

સ્વરાંકન :રવિન્ નાયક
સ્વર : રે મ પ ની વૃંદ