એક દિવસ એક પંખી
એક દિવસ એક પંખી આવી વલગણી પર ઝુલ્યું, ત્યાં તો ઘર આખુંયે હલચલ હલચલ,
એક દિવસ પંખીએ બોળી (૨)ચાંચ ઠીબના પાણીમાં તો , ઘર આખું ઝરણાની કલકલ..

આળસ મરડી ઉંબર જાગ્યું,આળસ મરડી ઘર જાગ્યું ને ,આળસ મરડી હવાય જાગી,
તોરણમાં ગૂંથેલા ફૂલો ફટોફટ ઉઘડી ગયા ને, મહેક બધે પ્રસરવા લાગી,
એક દિવસ પંખીએ ફળિયે (૨)પાંખ ધૂળમાં ફફડાવી તો ,ઘર આખુંયે જલજલ જલજલ..
એક દિવસ

એકબીજાને છાનીમાની ભીંત કાનમાં કહેતી કે આ રધિયાળું કોણ આવ્યું છે?,
રંગબેરંગી પીંછા સાથે રંગબેરંગી ગીતોને ય, ફાટ ભરીને લાવ્યું છે,
એક દિવસ એક પંખી આવી (૨),જરીક અમથુ ટહુક્યું ત્યાં તો ,ઘર આખું એ કલબલ કલબલ…..એક દિવસ

ઓચિંતાનું ઘર એની ઘરવટ ભૂલીને, પતંગિયુ એ ઉડવા લાગે આલ્લે આલ્લે,
અટકળનાં જંગલ ની વીંધી તેજીલો તોખાર થઈને મન પણ ભાવે આલ્લે આલ્લે,
એક દિવસ એક પંખી આવી(૨), ફળિયે ચણવા લાગ્યું ત્યાં તો ઘર આખુંયે મંગલ મંગલ…
એક દિવસ

-લાલજી કાનપરિયા

સ્વર : અનંત વ્યાસ.
સ્વરાંકન : અનંત વ્યાસ.