આપણે તો આપણા મનના માલિક
અને આપણી તે મસ્તી માં રહીએ
વાયરા તો આવે ને વાયરા તો જાય
આપણે શું કામ ઉઠી જઈએ

ના’વું તું ના’ વું તો બસ નદીએ જઈને ના’વું
ને ગાવું તો ગોટમોટ ગાવું
રમવું તો રેશમી રૂમાલ જેવું રમવું
ને અમથું શું ફંટાવું આવું?
માર માર ઊઘલે આ મોજાની સાયબી
નાહકના છેટાં ના રહીએ
આપણે તો આપણા મનના માલિક….

વાદળનું એવું કે વરસે તો વરસે
પણ આંતરવું કેમ કરી નેવું
અક્ષરનું એવું કે ઊકલે તો ઊકલે
પણ આગળનું કોને જઈ કહેવું
વાળું વાળું ને તોય વધતો રે વાવટો
વાયકાના વણછે ના રહીએ
આપણે તો આપણા મનના માલિક…

આપણા મુકામ વિશે આપણો જ ડાયરો
અવર કોઈ આવે ના આવે
આપણું ગગન અને આપણી જ ગોઠડી
મેઘ ઉપર મેઘ ચડી આવે
અંગ અંગ પૂર, અમે ચોગમ ચકચૂર
રેલંતા ખેલંતા રહીએ
આપણે તો આપણા મનના માલિક…

– દલપત પઢિયાર

સ્વર : પિયૂષ દવે
સ્વરાંકન : પિયૂષ દવે