ચાલ દોસ્ત આ જ આપણે માણસ માણસ રમીએ
વીતેલા શૈશવ કેરી એ શેરીમાં જઈ ભમીએ

પેન ને પાટી દફ્તર ડબ્બા સ્કૂલના લાંબા રસ્તા
વાડ ને વંડા કુદતાં રમતાં પડતાં તોયે હસતાં
રંગબેરંગી આશાઓના મેઘ ધનુષને રચીએ
ચાલ દોસ્ત આ જ આપણે માણસ માણસ રમીએ

દાળની ચપટી લાવતી તું ને મુઠ્ઠી ભરી હું ચોખા
ચકા ચકીની  રમતના દિવસો નોખા અને અનોખા 
સંબંધ ના ખેતરમાં દુઃખના વાડાઓ. ના રચીએ
ચાલ દોસ્ત આજ આપણે માણસ માણસ રમીએ

ગીલીદંડા આંબલી પીપળી ને વળી સતોળીયા
જડે તો મને શોધી આપો દોડીને પાંચીકા
દુઃખ દર્દને  ભૂલી  સુખનું હુતુતુતુ રમીએ
ચાલ દોસ્ત આ જ આપણે માણસ માણસ રમીએ

મેઈલ અને મોબાઈલમાં તો બસ જૂઠાણાં ધસમસતા
લાગણીઓ કટ પેસ્ટ કરીને ખોટું ખોટું હસતા
પ્રેમ નીતરતો આંખ ભીંજવતો કાગળ સાદો લખીએ
ચાલ દોસ્ત આ જ આપણે માણસ માણસ રમીએ

-રમેશ ચૌહાણ

સ્વરઃ શ્યામલ સૌમિલ મુનશી
સ્વરાંકનઃ શ્યામલ સૌમિલ મુનશી

સૌજન્ય : જયેશ સુરેશલાલ શાહ, સુરત