હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો,
પાંપણની પોટલીમાં આસુંનાં તાંદુલ લઈ

ઉભો હું થઈને સુદામો,
હરિ મારી આંખ્યુંમાં…
દરિયાની ભરતીમાં મોજાનો લોડ
એમ ઉછળવું કાયામાં રગોનું;
પાસંળીની પાર પીડા એટલી સમાઈ છે

જેટલું દ્વારીકામાં સોનું,
જરા ધસમસતા શ્વાસોને થામો.
મારી આંખ્યુંમાં કરજો વિસામો…

કીકીઓનાં કુંજામાં સપનાની કાંકરીઓ
નાખે જળધાર એક સીંચી;
કે ધારને કિનારે હરિ હસતાં દેખાય
પછી હળવી આંખ લઉં મીંચી.

હવે જળનો કિનારો છે સામો,
મારી આંખ્યુંમાં કરજો વિસામો…

-રમેશ પારેખ

સ્વર : સોનિક સુથાર
સ્વરાંકન: સુરેશ જોશી