વર્ષાનું ઝાંઝર

ઝાંઝર ઝીણેરું આજ તૂટી ગયું.
વરણાગી વર્ષાએ પગમાં પહેરેલ એવું
ઝાંઝર ઝીણેરું આજ તૂટી ગયું.

વર્ષા સૂતેલ હતી વાદળની સેજમાં,
હૈયું ભીંજેલ હતું શમણાના ભેજમાં,
વન વનના વાયરાની વાગી જ્યાં ફૂંક ત્યાં,
સપનું બિલોરી સાવ ફૂટી ગયું,
ઝાંઝર ઝીણેરું આજ તૂટી ગયું.

જાગીને રાસ રમે સહિયરના સંગમાં,
ઝાંઝરની ઘૂઘરી છે સાત સાત રંગમાં.
ડુંગરની ટોચ પર ઠમકારે ઠેક્તાં
છટકીને સ્ટેજમાં છૂટી ગયું;
ઝાંઝર ઝીણેરું આજ તૂટી ગયું.

વેરાણી ઘૂઘરી ઊડીને આભમાં,
સપનું ઝિલાયું જાણે ધરતીની છાબમાં,
તરણાંને પાથરણે દરિયાના દિલનાં,
મોતી અમૂલ કોઈ મૂકી ગયું;
ઝાંઝર ઝીણેરું આજ તૂટી ગયું.

ઝાકળ શી ઝૂલતી તરણાંના અંગમાં,
ચળકે છે ઘૂઘરી સુરધનુના રંગમાં,
કવિજનની લ્પનાના કણ કણ શાં બિન્દુઓ
ચંચળ કો’ ચીત્ત આંહીં ચૂકી ગયું;
ઝાંઝર ઝીણેરું આજ તૂટી ગયું.

શોભા નિહાળવાને નમિયું આકાશ જ્યાં,
લાખ લાખ આંખ મહીં ઝબક્યો પ્રકાશ ત્યાં,
હરિવરનું હૈયું જાણે ધરતીનું રૂપ જોઈ
ઝાઝેરા હેતથી ઝૂકી ગયું;
ઝાંઝર ઝીણેરું આજ તૂટી ગયું.

-મીનપિયાસી

સંગીતઃ ઉપેન્દ્ર ત્રિવેદી