કોનાં પગલાં પડતાં કાને?
કોનાં ઝંખન ફોરે ?
વળીવળીને વળગે પાછું
કોણ હૃદયની કોરે?

કોણ ઉષાની ઝાલર લઇને
જાતું નિદર ચોરી?
કોણ ભીંજવે-ભીંજવે મારી
અંતરગગરી કોરી?
કોણ બનીને શમણું ઝૂલે
નેણપલકને દોરે?

કોણ હવામાં હીંચતું, વહેતું
જલધિને જલ દોડે?
કોણ ભાલમાં ચંદ્ર ચોડતું
લખ લખ નવલા કોડે?
કોણ મેંદીનાં ફૂલ બનીને
ચોગમ મહોરે-મહોરે?

વળીવળીને વળગે પાછું
કોણ હૃદયની કોરે ?

-ડો બેચરભાઈ પટેલ

સ્વરઃ અનંત વ્યાસ
સ્વરાંકન :અનંત વ્યાસ