અનંત વ્યાસ

 

આજ અચાનક આંગણું હસ્યું,
હસી ઊઠ્યા ગુલમહોર;
લીલમ લીલો લીમડો લહેંક્યો
હસ્યો પ્રભાતનો પહોર.

બારણાંયે બેઉ હરખે ભેટ્યાં
ઉંબર લહેર્યો જાય,
પરસાળે હસી હીંચકો ઘેલો
ગીત આ કોનાં ગાય?

ભીંત હસીને બોલતી ઘેલું,
આસનિયાં ઝલમલ,
ઢોલિયા કેરી ભાત મહોરીને
વહી રહી કલકલ .

પગલાં કોનાં ધરતીએ આ?
કોનો આ પા૨સહાથ?
ઘરને ગગન ઝળકી ઊઠ્યા
સૂરજ – ચંદર સાથ

અચરજ આંખ ઝબોળતો જોઉં
કોણ આવ્યું મુજ ઘે૨?
આયખાનો આનંદ ઉમટતો
ઉરની લ્હેરે લ્હેરે!

આટલો આવો વરસે હરખ
ખોબલે તે શું ઝીલું?
બાવળ કેરું ફૂલ રે હું તો ,
ખીલી ખીલી શું ખીલું?

-ડો બેચરભાઈ પટેલ

સ્વરઃ નિધી ધોળકિયા
સ્વરાંકન : અનંત વ્યાસ
સંગીતઃ ડો ભરત પટેલ