ઝાકળભીના બેઉ હાથમાં સળવળતી પળ સરી,
ડુંગર કેડી દરિયો હોડી ઝાડપાન થઈ ખરી.

સપનું છાનુંછપનું જાગી
રાત ગયું રે ચોરી,
કાજળની રેખાના સોગન
રહી ગઈ નજરું કોરી;

ટગમગ મારગ જોતી આંખો અંધકારને વરી.

પરવાળાની પોચી પાની
ખરબચડી કાંઈ કેડી,
પગમાં અંતરિયાળ પડી છે
દિવસરાતની બે ડી;

પૂનમની મધરાતે એવી બળબળતી લૂ ઝરી.

રેશમિયાં અજવાળાં અંગે
આકળવિકળ ડંખે,
તરફડતા ઘેઘૂર ટેરવાં
લીલી અટકળ ઝંખે;

પીળી પડતર ફૂંક અને આ અવાવરુ બંસરી.

-વિનોદ જોશી

 

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : રુદ્ર દ્દત્ત ભટ્ટ
સંગીતઃ નિરવ – જ્વલંત

 

સૌજન્ય : સંજય રાઠોડ, સુરત