તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

-કલાપી

સ્વર : પાર્થિવ ગોહિલ