જીવન મળ્યું જીવનની પછી વેદના મળી
થઈ ગઈ ખતા ખુદાથી અમને સજા મળી

આખું વિશાળ વિશ્વ મને સાંકડું પડ્યું
કોઈના દિલમાં જ્યારથી થોડી જગ્યા મળી

એનાં નયનથી લાગણી છલકાઈ આખરે
એક મૃત્યુની ઘડી જ મને જીવવા મળી

ઈશની ઉદારતા કે જગત આખું દઈ દીધું
મારું નસીબ કે મને કેવળ દુઆ મળી

‘બેફામ’ દિલની પ્યાસ નહિ પારખી શકી
ક્યાં ક્યાં મળ્યું છે ઝેર ક્યાં ક્યાં સુરા મળી

-બરકત વિરાણી ‘બેફામ’
 
સ્વરઃ કૌમુદી મુનશી
સંગીત : ઉદય મજમુદાર