આ તો બીજમાંથી ફૂટી છે ડાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.

આખુંયે આભ મારી આંખોમાં જાગે
લઇ પંખીના સૂરની સુવાસ,
તૃણે તૃણમાં ફરકે છે પીછાંનો સ્પર્શ
અહીં ઝાકળનો ભીનો ઉજાસ.
એક એક બિંદુમાં સમુંદરની ફાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.

સળવળતી કળીઓમાં રાધાની વેદના
ને ખીલેલા ફૂલમાં છે શ્યામ,
ડાળીએથી ડોકાતા તડકામાં જોઈ લીધી
ક્યાંક મારી લાગણી લલામ.
પળ પળનાં પોપચામાં મરકે ત્રિકાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.

-જગદીશ જોશી
 
સ્વર:આશિત દેસાઈ
સ્વરાંકનઃ :દક્ષેશ ધ્રુવ
સંગીતઃ : આશિત દેસાઇ