કેસુડાના વનની મઘમઘતી કેડી 
ત્યાં અમથી મુને વા’લીડા તેં  છેડી 
વા’લીડા મુને મેલજે ના હવે રેઢી  
હો રાજ મુને મેલજે ના રેઢી

હે…. જાણે મનના વનરાવનમાં રચવાને રાસ
રાધાજીને કાનુડાએ તેડી 
વા’લીડા મુને મેલજે ના હવે રેઢી
હો રાજ મુને મેલજે ના હવે રેઢી
પગ પરમાણે  મુને સાંકળા  ઘડાવી દે જે
નાક પરમાણે  મુને નથણી  તું લાવી દે જે 
હે….. મોંઘી જતેપર  ગામની ચટકરંગી ચૂંદડી
ને પાટણ થી લાવજે પછેડી

વા’લીડા મુને મેલજે ના હવે  રેઢી
હો રાજ મુને મેલજે ના હવે રેઢી
મારે કાજ મોટો એક મે’લ તું ચણાવજે 
સુંવાળી  સેજનો ઢોલિયો સજાવજે 
હે મુને સોનાની સાંકળે  સંગરંગ  હીંચવા
બાંધી દે જે મે’લ માથે મેડી  

હેમ કેરો હાર કોટ કેડે કંદોરો
 સોને મઢેલ હોય ચૂડલો રે મોરો 
કે હું તો સોંઢણીએ  સવાર  થઇ 
રંગ મોલે આવીશ મહિયરનો મારગડો ખેડી 
વા’લીડા મુને મેલજે ના હવે રેઢી

-અવિનાશ વ્યાસ 

સ્વરઃ  લતા મંગેશકર
સ્વારાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય 

 

સૌજન્યઃ  ગિરીશભાઈ લંડન