ઑફ લાઈન સ્કૂલ શરૂ થતાં…

નાની નાની સ્કૂલબેગની ટોળી સામે મળી
વળી વળી ભાઈ વળી જીવને થોડીક ટાઢક વળી
યુનિફોર્મને ભેટી પડવા ફૂલ બની ગઈ કળી
વળી વળી ભાઈ વળી જીવને થોડીક ટાઢક વળી

નહીંતર આખ્ખું આભ હતું પણ પિંછું ક્યાં ફરફરતું ?
માળામાંથી બ્હાર નીકળતા પંખી પણ થરથરતું
ટળી ટળી ભાઈ ટળી ઘાત આ શ્વાસ ઉપરથી ટળી
વળી વળી ભાઈ વળી જીવને થોડીક ટાઢક વળી

બેલ વગડશે,અદબ પલાંઠી કાલું ઘેલું ગાશે
ક્લાસ રૂમની સૂની ડાળે ટહુકાઓ સંભળાશે
ઢળી ઢળી ભાઈ ઢળી જીન્દગી ફરી જીવનમાં ઢળી
વળી વળી ભાઈ વળી જીવને થોડીક ટાઢક વળી

કૃષ્ણ દવે.
તા-૨૨-૨-૨૦૨૨
 

સૌજન્ય : અતુલભાઈ રાવલ