હરિ તો હાલે હારોહાર
હું જાગું ઈ પ્હેલાં જાગી ખોલે સઘળાં દ્વાર
હરિ તો હાલે હારોહાર.
નહિતર મારા કામ બધાં કાંઈ ઉકલે બારોબાર ?
હરિ તો હાલે હારોહાર.

ખૂબ ઉકાળે, બાળે, ગાળે, દ્વેષ રહે ના લેશ
પછી કહે થા મીરા કાં ધર નરસૈયાનો વેશ
હું ય હરખની હડી કાઢતો ધોડું ધારોધાર
હરિ તો હાલે હારોહાર.

વાતે વાતે ઘાંઘા થઇ થઇ ઘણાય પાડે સાદ
સાવ ભરોસે બાથ ભરી જે વળગે ઈ પ્રહલાદ
તાર મળ્યે ત્રેવડ આવે ઈ નીરખે ભારોભાર
હરિ તો હાલે હારોહાર.

મુઠ્ઠીમાં શું લાવ્યા એની ઝીણી એને જાણ
પ્હોચ પ્રમાણે ખાટા મીઠા પણ જે ધરતા પ્રાણ
એની હાટડીએ હાજર ઈ કરવા કારોબાર
હરિ તો હાલે હારોહાર.

-કૃષ્ણ દવે