અવ કોઈ મને ના ટોકે.
જતાં આવતાં આંખો-ઇશારે કોઈ મને ના રોકે.
અવ કોઈ મને ના ટોકે!

હતું પારકું પોતાનું થઈ જીવ્યું’તું સંગાથે,
એ જ જીવનને દીધું જલાવી મેં આ મારા હાથે;
ચિતા સમું આ ચિત્ત હમેશાં ભડભડ બળતું શોકે.
અવ કોઈ મને ના ટોકે!

‘ક્યાં બેઠા છો? શું જમવું છે? કેમ સૂતા છો વારુ?
ઉદાસ છો કાં? કે થાક્યા છો?’ કોઈ નહિ પૂછનારું!
સ્મરણ-મોતી શાં અશ્રુ આજે સરતાં થોકે થોકે.
અવ કોઈ મને ના ટોકે!

‘રહો, કેમ આ મેલું? લાવો આ ફાટ્યું સાંધી દઉં,
મૂકો નિરાશા પડતી આવો આશામાં બાંધી લઉં,’
એમ પૂછતી હસતી કોઇની આંખો નવ અવલોકે.
અવ કોઈ મને ના ટોકે!

નથી ધબકતું હૈયું કોઈનું મુજ પદરવના તાલે,
નથી ઊપડતાં મુજ દર્શનથી ખંજન કોઈના ગાલે;
નથી જતું મન મારું કોઈના હૈયાઝૂલે ઝોકે.
અવ કોઈ મને ના ટોકે!

-મીનપિયાસી

 
સ્વરઃ ભાર્ગવ ભટ્ટ | અલ્પા ત્રિવેદી
સ્વરાંકન અને સંગીત : સંજીવ ત્રિવેદી