આશાનું’, ઈન્તઝારનું સપનાનું શું થશે ?
તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે ?

આ ઝાંઝવાંથી એક ગતિશીલતા તો છે.
મળશે ઝરણ જો માર્ગમાં, પ્યાસાનું શું થશે ?

દુઃખ પર હસી તો દઉં છું મગર પ્રશ્ન થાય છે,
-જે દોસ્ત દઈ ગયા એ દિલાસાનું શું થશે ?

હું’ એ ફિકર કરીને ભટકતો રહ્યો સદા
-મંજિલ મળી જશે પછી રસ્તાનું શું થશે ?

ખીલે છે કુલ તોયે રૂદન ,છે તુષારનું
કરમાશે કુલ ત્યારે બગીચાનું શું થશે ?

ચમકે ન મારું ભાગ્ય ભલે કિન્તુ ઓ ખુદા,
– તારા ગગનના કોઈ સિતારાનું શું થશે ?

અત્યારથી જ મારી ફિકરમાં સુકાય છે,
હું જે ડૂબી જઈશ તો દરિયાનું શું થશે ? ?

-આ મયકદાનું એટલું તો અમને ભાન છે,
– નહિ આવશું અમે તો મદિરાનું શું થશે ?

બેફામ એટલે તો નિરાંતે ઊંઘી જશું
જીવવાનું દુઃખ જયાં થાય ત્યાં મરવાનું શું થશે ?

 
-બરકત વિરાણી ‘બેફામ’

 
સૌજન્ય : પ્રવિણભાઈ ત્રિવેદી