હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે

મેં તો લગામ દીધી હાથ હરિને
હરિ ચાહે તો પાર ઉતારે

હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે

ભાઈ રે, ભાઈ રે, ભાઈ રે, ભાઈ રે

કાયાની કોઠીમાં બૂરાં કરતૂક ઠાંસ ભરેલા છે
ને કોઈની આંતરડી બાળે એવા
અવગુણ ઉર ઊભરેલાં છે
કંઈ કંકર, કંઈ કુસુમ-કાંટા ને
તને કેટલું પાર ઉતારે

હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે

ભાઈ રે, ભાઈ રે, ભાઈ રે, ભાઈ રે

દેવની ડેલી દૂર નથી, કઈ કરણી કરેલ કહી દે
ને વધ્યું ઘટ્યું કંઈ પુણ્ય હોય તો
પંડને કાજે દઈ દે
સતનામ જેવી કોઈ મૂડી નથી
કે જે આવે હારે હારે

હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે

મેં તો લગામ દીધી હાથ હરિને
હરિ ચાહે તો પાર ઉતારે

હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે

-અવિનાશ વ્યાસ

સ્વરઃ મુકેશ
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસ