રોઇ રોઇ કેને સંભળાવું તોળાંદે,
આવા દખ કોની આગળ ગાવું,
એમ જાડેજો કહે છે રે,
રૂદિયો રુવે ને માયલો ભીતર જલે …..

અમે રે હતા રે તોળી રાણી ઊંડે જળ બેડલા,
જી ….. રે તોળાંદે તમે રે તારીને લાવ્યાં તીર ……
એમ જાડેજો કહે છે રે …… (1)

તમે હાલ્યા રે સતી રાણી મોટા ધણી ને વાયદે,
જી ….. રે તોળાંદે તમ વિના દનડાં ન જાય…….
એમ જાડેજો કહે છે રે …… (2)

અમે રે હતા રે તોળી રાણી કડવી વેલે તુંબડા,
જી ….. રે તોળાંદે તમે આવે રે મીઠા હોય ……
એમ જાડેજો કહે છે રે …… (3)

હાલતી વેળાએ સતી રાણી ગાયત્રી સંભળાવ જો,
જી ….. રે તોળાંદે એ થકી મુક્તિ મારી હોય ……
એમ જાડેજો કહે છે રે ….. (4)

ગુરુનાં પ્રતાપે તોળાદે જાડેજા એમ બોલિયા,
જી ….. રે તોળાંદે તમે રે તર્યા ને અમને તારો ….
એમ જાડેજો કહે છે રે …… (5)

-જેસલ જાડેજા
 
સ્વરઃ ઈસ્માઈલ વાલેરા