છુટે શ્વાસ પાછળ

Comments Off on છુટે શ્વાસ પાછળ


ડો.પરેશ સોલંકી

 

 

છુટે શ્વાસ   પાછળ   ઈરાદા   રહે  છે,
ફક્ત  આંસુઓના   દિલાશા  રહે  છે.

વહી જાય જળ રેત પરથી સમયનું,
ને   વેરાન  ખાલી   કિનારા   રહે  છે.

ઘણી   વાર   એવું    બને   પ્રેમમાં કે,
અઢી   શબ્દ સાથે   નિસાસા  રહે  છે.

લખે  જાત બાળી ગઝલને છે શકય,
શબદમાં  જખમના  તિખારા રહે  છે.

હથેળી  ધરી  હુંફ   આપી  શકયાનાં,
છબીમાં સ્વજન બસ બિચારા રહે છે

– ડો.પરેશ સોલંકી

સ્વર : રિયાઝ મીર

સ્વરાંકન : ડો ભરત પટેલ

આહા એટલે આહા…

Comments Off on આહા એટલે આહા…

 

 

આહા એટલે આહા એટલે આહા
હમને તુમકો ચાહા…… આહા

ચોમાસાની જળનીતરતી યાદ
એટલે આહા..
છત્રીમાં ભેગા પલળ્યાનો સ્વાદ
એટલે સ્વાહા

ભીના હોઠોમાં થઈ ગઈ
એક ભીની મોસમ સ્વાહા
આહા એટલે આહા એટલે આહા
હમને તુમકો ચાહા…… આહા

સાંજે કોઈને અમથુ અમથુ મળવું
એટલે આહા
પાછા ફરવા મન ન કરી ફરવું
એટલે આહા

રાતની એકલતામાં
ગાયા કરવા ગીતો મનચાહા
આહા એટલે આહા એટલે આહા
હમને તુમકો ચાહા…… આહા

– ડો મુકુલ ચોક્સી

સ્વર : હરીશ ઉમરાવ, નયના ભટ્ટ

સ્વરાંકન : હરીશ ઉમરાવ

સુરતનો એવો વરસાદ

Comments Off on સુરતનો એવો વરસાદ

હરીશ ઉમરાવ

 

 

પતરે ટપાક્ક ટપ છાંટા પડે, ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે
સુરતનો એવો વરસાદ…

બારીમાં કૂદે ભફાંગ કરી વાછટ, ને વીજળી વેરાય મૂઠે મૂઠે
સુરતનો એવો વરસાદ…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઉછળે ને તીર એની સાથે સટ્ટાક સટ્ટ છૂટે
સુરતનો એવો વરસાદ…

નેવાંની સાથ વળી ઝૂલતા કોઇ હિંચકાનું આછું કિચૂડકચ્ચ એવું
સુની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે એકલું પારેવું
રસ્તાઓ સુમસામ ખુલ્લા ફટ્ટાક જેમ શિવાજી શહેરને લૂંટે
સુરતનો એવો વરસાદ…

– નયન દેસાઈ

સ્વર : હરીશ ઉમરાવ અને સ્તુતિ શાસ્ત્રી

વરસો વીત્યાં વરસો વીતશે

Comments Off on વરસો વીત્યાં વરસો વીતશે

 


 

વરસો વીત્યાં વરસો વીતશે
હાથમાં લઇને હાથ ,
માણ્યો છે ને માણતાં રહેશું
સજની , આ સંગાથ
આપણો સપ્તપદીનો સાથ

નજર કરીને જોઉં પાછળ
વીતી ગયેલાં વરસો
રસઝરતાં એ વરસો માણવા
ફરી ફરી તમે તરસો
વીતી વેળા હાથ ન આવે
સ્મરણ બને સંગાથ
આપણો સપ્ત પદીનો સાથ

માણ્યું તેનું સ્મરણ કરો
એ સ્વાદની સાચવો યાદ
ફરી ફરી એ યાદ માણીએ
જીવન નથી ફરિયાદ
સાચવ્યાં છે ને સાચવી લેશે
આપણને શ્રીનાથ
આપણો સપ્તપદીનો સાથ

– તુષાર શુક્લ

સ્વર: નીરજ પાઠક

સ્વરાંકન :માલવ દિવેટીયા

સંગીત : શૈલેશ ઠાકર

અઢી અક્ષરનું ચોમાસું

Comments Off on અઢી અક્ષરનું ચોમાસું

 

 

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

– ભગવતીકુમાર શર્મા

સ્વર : આશિત દેસાઈ અને હેમા દેસાઈ

સ્વરાંકન : આશિત દેસાઈ

Newer Entries

@Amit Trivedi