રહેશે મને આ મારી મુસીબતની દશા

Comments Off on રહેશે મને આ મારી મુસીબતની દશા

 

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.
પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.


એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.
મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.


મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.
માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.


આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.


કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.
ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.


હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.
ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.


મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.


– અબ્બાસ વાસી “મરીઝ”

સ્વર : અમર ભટ્ટ

સ્વરાંકન : અમર ભટ્ટ

પહેલા વરસાદનો છાંટો

Comments Off on પહેલા વરસાદનો છાંટો

 

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વ્હેંત વ્હેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને તો ચઢી ગઈ ખાલી રે…

સાસુ ને સસરાજી અબઘડીયે આવશે
કાશીની પૂરી કરી જાતરા
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છાપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે…

– અનિલ જોશી 


સ્વરાંકન : કલ્પક ગાંધી 
સ્વર : પ્રગતિ ગાંધી 

ના તારુ ના મારુ, ચોમાસુ

Comments Off on ના તારુ ના મારુ, ચોમાસુ

 

ના તારુ ના મારુ, ચોમાસુ સંગાથે માણીઍ તો સારુ
લીલીછમ આંખ મને ઉડી છે પાંખ મારુ હૈયુ રટે છે ઍક્ધારુ,
ચોમાસુ સાથે માણીઍ તો સારુ…

તરસ્યા આ આકાશે ધરતી ને પીધી ને વરસી ને પ્યાસ ઍની બૂઝી
તરસ્યા ઍ વરસ્યા ઍ સાદી શી વાત સજન ધરતી ને આભ જોઈ સૂઝી
ધોધમાર વરસંતા વાદળ ના સંગ, આજ જીતે તું હુય મન હારુ
ચોમાસુ સાથે માણીઍ તો સારુ.

રીસ ને મનામણા મા દિવસો વિતાવ્યા અને વાતો ને વાયરા મા વરસો
બે કાંઠે વહી જાતી સરિતા ની કાંઠે કેમ ધગધગતા રણ જેવુ તરસો
આષાઢી આભ તળે વરસાદી સાંજે ચાલ પલળી જઇયે રે પરબારૂ
ચોમાસુ સાથે માણીઍ તો સારુ…

  • તુષાર શુક્લ

સ્વર : પ્રિતી ગજ્જર
સ્વરાંકન : ડો ભરત પટેલ

એક જ્વાલા જલે તુજ નેનનમાં

Comments Off on એક જ્વાલા જલે તુજ નેનનમાં

   

 એક જ્વાલા  જલે તુજ  નૈનનમાં
                     રસજ્યોત  નિહાળી  નમું  હું  નમું
          એક  વીજ   ઝલે    નભમંડળમાં
                     રસજ્યોત  નિહાળી  નમું  હું  નમું

          મધરાતના   પહોર  અઘોર  હતાં
                     અંધકારના  દોર  જ  ઓર   હતાં
        તુજ   નૈનનમાં  મોરચકોર   હતાં
                     રસજ્યોત  નિહાળી  નમું  હું  નમું

          અહા!  વિશ્વના દ્વાર ખુલ્યાં, ઉછળ્યાં
                   અહા!  અવધૂતને બ્રહ્મલોક મળ્યાં
          અહા!  લોચન લોચન  માંહી ઢળ્યાં
                     રસજ્યોત  નિહાળી  નમું  હું  નમું

          દગ્બાણથી   પ્રારબ્ધલેખ   લખ્યાં
                     કંઈ  પ્રેમીએ   પ્રેમપંથી   પરખ્યાં
          અને આત્માએ આત્મનને ઓળખ્યો
                     રસજ્યોત  નિહાળી  નમું  હું  નમું
–  મહાકવિ નાનાલાલ

સ્વર : ઓસમાણ મીર 

Newer Entries

@Amit Trivedi