બીબાના ઢાળે ઢળવામાં

Comments Off on બીબાના ઢાળે ઢળવામાં

 

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે
બરફ માકક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારા
સમયની સાથે ભળવામાં ઘણી તકલીફ પહોંચી છે

અગર ભૂલો પડ્યો હું હોત ને દુ:ખ થાત એ કરતાં
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે

બુકાની બાંધી ફરનારાનું આ તો છે નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે

  • મનોજ ખંડેરિયા

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ

Comments Off on આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ

 

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન ફૂલ ઊગ્યું

ઝખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યુ
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીતાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડયા એવા
અહલ્યાની જેમ મારી ઈચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન
ધેનુની આંખનું હું પાણી

-મનોજ ખંડેરિયા

સ્વર : રાજેન્દ્ર ઝવેરી

સ્વરાંકન : રાજેન્દ્ર ઝવેરી

પીછું

Comments Off on પીછું

 

ગગન સાથ લઈ ઊતરે એં ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું

હદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું

ગગનના અકળ શૂન્યમાં જઈ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું

  • મનોજ ખંડેરિયા

સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ

Comments Off on આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ

 

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને

ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છૂંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તે એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામમાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે-
જાણે કે છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઈ દિવસ કોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને

– મનોજ ખંડેરિયા

સ્વર : આરતી મુખરજી
સ્વરાંકન : અજિત શેઠ

શહેર આખું તરબતર વરસાદમાં

Comments Off on શહેર આખું તરબતર વરસાદમાં

 

શહેર આખું તરબતર વરસાદ માં
કોણ ક્યાં છે શું ખબર વરસાદમાં

વૃ ક્ષ નીચે આશરો જ્યારે મળે
હોય જાણે એક ઘર વરસાદ માં

પૂર આવે એટલું પાણી છતાં
તું વરસથી માપસર વરસાદમાં

એક બે ટીપાં પડીને શાંત છે
કોની છે આ કરકસર વરસાદમાં

  • ધ્વનિલ પારેખ

સ્વર : હરીશ ઉમરાવ
સ્વરાંકન : હરીશ ઉમરાવ


Older Entries Newer Entries

@Amit Trivedi