ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું?

Comments Off on ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું?

 

ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું?

સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું…

આંખોમાં જ્યારથી મેઘધનુ કોર્યા એ રંગો હથેળી જઈ મ્હોર્યા,

કમખા ને ઓઢણીની કોરે ચીતરેલા મોરલાં ઓછા ના ટહુક્યા;

કુમળા એ અવસરને એમ થયું જાણે કે સોળ વરસ બાથમાં ભરું…

સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.

હોઠો પર વાસંતી લાલી ફૂટીને ગાલો પર આવી ગુલાબી,

હૈયામાં ઉછરેલ સૂરજમુખી કરે રોમરોમ રણઝણની લ્હાણી;

મોસમની જેમ તું આવ-જા કરે ને મળે શ્વાસોને ભવભવનું ભાથું…

સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.

  • પ્રજ્ઞા વશી

સંગીત: મેહુલ સુરતી
સ્વર: અનિતા પંડિત

મૈત્રી તો પળપળમાં ઘુંટવાની વાત

Comments Off on મૈત્રી તો પળપળમાં ઘુંટવાની વાત

 

મૈત્રી તો પળપળમાં ઘુંટવાની વાત
મૈત્રી તો તારામાં મારા હોવાનો
એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ

તારા સહુ ઘાવ મારા કાળજામાં મ્હોરે
એ સગપણને નામ તે શું દેવું?
પગમાં ખૂંચેલ કોઈ કાંટાની પીડામાં
રડતી બે આંખના જેવું
મૈત્રી તો મનખાનો મીઠો મેળાવડો
મૈત્રી તો થાક્યાનો સ્કંધ

હોઠ તારા ફફડે ત્યાં આંખ મારી સમજે
એ વણબોલ્યા શબ્દોનું રૂપ
સાવ રે અચાનક તું બોલતો રહે ત્યારે
રહેવાનું હોય મારે ચૂપ
મૈત્રી તો દુઃખ સુખમાં મ્હોરવાની ઘટનાને
મૈત્રી અદ્વૈતનો નિબંધ

મૈત્રી તો તારામાં મારા હોવાનો
એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ

  • અજીત પરમાર

સ્વર : પ્રગતિ વોરા મહેતા
સ્વરાંકન : આશિત દેસાઈ

Newer Entries

@Amit Trivedi