પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે

Comments Off on પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે

 

 

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે
માન્યું જેણે માટીને રતંનજી;
ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા, એવાં
કાયાનાં કીધલાં જતનજી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરીજી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરીજી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યા કે ન જડિયા તોયે સાચાજી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમનિગમની બોલ્યા વાચાજી.

ચોથા પરણામ મારા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલજી;
ખાલીમાં રંગ પૂર્યા, જગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલજી.

પાંચમા પરણામ મારા, વેરીડાને કહેજો રે
પાટૂએ ઉઘાડ્યાં અંતર દ્વારજી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધારજી.

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો
સંસારતાપે દીધી છાંયજી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે,
આતમની કહેજો એક સાંઈજી.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખજી;
હરવા ફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખજી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલિયું સરવસ્સજી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસજી.

-રામનારાયણ પાઠક,

સ્વરઃ હેમા દેસાઈ, આશિત દેસાઈ, આલાપ દેસાઇ અને ચંદુભાઈ મટાણી
સ્વરાંકનઃ આશિત દેસાઈ

માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ

Comments Off on માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ

 

 

માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ
આમ અળગો અળગો તે શીદ ચાલે,
આંકડિયા ભીડી લે લજ્જાળા છેલ !
ભલે એકલદોકલ કોક ભાળે…

મૈયરનો મારગડો મેલી દીધો છે હવે
મોકળું મૂકીને મન ફરીએ,
આંખનો હિલોળે ઝૂલી લઇએ વ્હાલમ,
થોડું નેહના નવાણ મહીં તરીએ…

સાંજ ક્યાં નમી છે ? હજી આટલી ઉતાવળ શું ?
વેળ થ્યે લપાઇ જાશું માળે…

હમણા વંકાશે વાટ સાસરિયે જાવાની
થંભી જશે થનગનતી પાની,
નીચાં ઢાળીને નેણ ચાલીશું રાજ
અમે લાજ રે કાઢીશું વ્હેતા વા’ની;

મોકો મળે તો જરા ગોઠડી કરશું
ચોરી છૂપીથી આંખડીના ચાળે…

-હરીન્દ્ર દવે

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન : પરેશ ભટ્ટ

સોના વાટકડી જેવું આ કાળજું

Comments Off on સોના વાટકડી જેવું આ કાળજું

 

 

સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું,
આંખની સામે જે ચહેરો હતો.
એ ચહેરાને હું તો ખોળ્યાં કરું .

સાંજનું ઉદાસ આ કેવું આકાશ
અમે ઊડેલાં પંખીને ગોતી ૨હ્યાં.
સૂમસામ પડી છે તારી પથારી
મારા તકિયા પર આંસુઓ મોતી થયાં
મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.

બારણાની બ્હાર આ રસ્તો પડ્યો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી .
કંઠમાં અધવચ્ચે અટકયું છે ગીત
પણ ગાવાનું મન મને થાતું નથી .
કયારનો ઉજાગરાનો દીવો બળે છે :
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.

-પન્ના નાયક

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાકંન : ક્ષેમુ દિવેટિયા

સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો

Comments Off on સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો

 

 

સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો
જાગીતી શમણાંમાં કેટલીયે રાત
મને તે દિ’ ના લાગ્યો કાંઈ આકરો
સખી મારી…….

સુણી ને મુરલીનો નાદ મધરાતે હું
ઝબકીને એવી તો જાગી
ત્યારથી આ નૈણાં ને ક્યાંયે ના ગોઠતું
ને હૈયાને રઢ એક લાગી
સખીઓ સૌ સંદેશા કહી કહી થાકી ને
તોયે ના આવ્યો કહ્યાગરો
સખી મારી……..

આવી મળે ને ભલે મારગમાં કોઈ દિ’
તો કાળિયાનું મોંય નથી જોવું
યમુનામાં ધીરેથી પડછાયો પાડતો
ને મુરલીને જઇને શું કહેવું
દાણ રોજ રોજ મને આપવાનું મન થાય
એવો આ મુલકનો ઠાકરો
સખી મારો…….

-મણિલાલ દેસાઈ

સ્વર : પૌરવી દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

તમે રે તિલક રાજા રામના

Comments Off on તમે રે તિલક રાજા રામના

 

 

તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવા સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા !
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં ?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં ?’
તમે રે અખશર થઈને ઊકલ્યા !
અમે પડતલ મૂંઝારા મૂંઝીણી છીપના,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને કહો ને દ:ખ કેવાં પડ્યાં ?

– રાવજી પટેલ

સ્વર : હરિહરન
સ્વરાંકન : અજીત મર્ચન્ટ

Older Entries Newer Entries

@Amit Trivedi