એની આંખો માં ઉર્દુ ના કાફિયા

Comments Off on એની આંખો માં ઉર્દુ ના કાફિયા

 

 

એની આંખો માં ઉર્દુ ના કાફિયા
એના હોઠો પર ફૂલોની ટોકરી
એ જો માને તો કરવી છે આપડે
એનો પાલવ પકડવાની નોકરી
એક ગાલિબ ના શેર જેવી છોકરી…

એ સમંદર ની લહેરો નું ગીત છે
એ તો ઝાકળથી દોરેલું ગામ છે
એ છે વગડામાં ઉગેલું ફૂલ ને
એના પગલા શુકન ના મુકામ છે

એને શોધે છે અંધારે આગિયા
ગુલમહોર એના સરનામાં ગાઈ છે
એની પાસે થી સૂરજના ચકારો
થોડા સંધ્યાના રંગો લઇ જાય છે.
એની પાસે લખાવે પતંગિયા
મીઠા મોસમ ની પહેલી કંકોત્રી
એક ગાલિબ ના શેર જેવી છોકરી…

એ તો ખુશ્બુનો ભાવાનુવાદ છે
પ્રેમ ગીતાનો પહેલો અધ્યાય છે
એની મસ્તીમાં સુફી ના શૂર ને
મુસ્કુરાહટ માં ફિલસૂફ વર્તાઈ છે

એના ઘર માં ટહુકા ના ચાકડા
એના આંગળમાં વરણાગી વાયરો
રોજ જામે છે એની આગાસીએ
ઓલા ચાંદા ને તારા નો ડાયરો
એની વાતો ઉકેલો તો લાગશે
કોઈ ગઢવીના છંદોની ચોપડી
એક ગાલિબ ના શેર જેવી છોકરી…

– મિલિન્દ ગઢવી

સ્વર : જીગરદાન ગઢવી
સંગીતઃ કેદાર, ભાર્ગવ

રક્ષા કરો જગદંબા ભવાની

Comments Off on રક્ષા કરો જગદંબા ભવાની

 

 

શરણ્યે વરણ્યે સુકારણ્યપૂર્ણે
હિરણ્યોદરાદ્યૈરગમ્યેતિ પુણ્યે
ભવારણ્યભીતં ચ માં પાહિ ભદ્રે,
નમસ્તે નમસ્તે નમસ્તે ભવાનિ

રક્ષા કરો જગદંબા ભવાની
નિશ દિન રટું હું તો અંબા અંબા અંબા

વર્ણ વિવર્ણ વિવિરમે વાણી
ચૌદ ભુવનની હે મહારાણી
રક્ષા કરો જગદંબા ભવાની

અંતરમાં તું અંતરયામી
વિશ્વ સ્વરૂપે વિશ્વ સમાણી
ખમ્મા તમને માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
રક્ષા કરો જગદંબા ભવાની

-નિનુ મઝુમદાર.

સ્વરઃ રાજુલ મહેતા
સ્વરાંકન : નિનુ મજમુદાર

સૌજન્ય : અમિત ન. ત્રિવેદી ( Siemens ) વડોદરા

ચાલ, વરસાદની મોસમ છે

Comments Off on ચાલ, વરસાદની મોસમ છે

 

 

ચાલ, વરસાદની  મોસમ  છે, વરસતાં જઈએ,
ઝાંઝવા હો કે  હો દરિયાવ,  તરસતાં. જઈએ.

મોતના  દેશથી   કહે   છે   કે બધાં  ભડકે  છે,
કૈં  નથી  કામ, છતાં  ચાલ, અમસ્તાં  જઈએ!

આપણે   ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે  છે ઘણાં, ચાલને, ખસતાં જઈએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું  શું  કરીએ,
બાંધીએ એક નગર, ને જરા  વસતાં  જઈએ.

તાલ   દેનારને   પળ   એક  મૂંઝવવાની  મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં  હસતાં જઈએ.

-હરીન્દ્ર દવે

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

Comments Off on કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

 

 

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવાં
આંગળીથી માખણમાં આંક્યાં;
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એનાં હોઠ બે બીડાયાં હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું ને સરી
હાથેથી મોગરાની માળા;
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

કોઈ જઈને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

-હરીન્દ્ર દવે

સ્વર : ગૌરવ ધૃવ
સ્વરાંકન : દક્ષેશ ધૃવ

એક તું વરસે અનરાધાર

Comments Off on એક તું વરસે અનરાધાર

 

 

એક તું વરસે અનરાધાર, ને બીજુ આકાશ…
સચરાચરમાં તારી રટણા ને તારી સુવાસ…

જેવો છું એવો આવીને ઊભો તારી સામે
ધજા સમું ફરફરવું મારે કરવું તારા નામે

મારી સાથે મારાં દુ:ખડા તેડી લેજે માડી
જીવતરને તારું સમજીને ખેડી લેજે માડી

દીવડામાં સૂરજ રોપીને ઊજવું છું અજવાસ…
એક તું વરસે અનરાધાર, ને બીજું આકાશ…

હું ભક્તિ, તું શક્તિ એનો અજબભર્યો સંચાર
અકળ સકળની માયા તું છે તેં જ રચ્યો ંસાર

તું જ હૃદય છે, તું જ સમય છે, તું જ જીત ને હાર
દ્રષ્ટિ તું છે, સૃષ્ટિ તું છે, તું છે તારણહાર

લઈ અજાણ્યા લયનો રસ્તો ઉઘડે મઘમઘ શ્વાસ
એક તું વરસે અનરાધાર, ને બીજું આકાશ…

– અંકિત ત્રિવેદી

સ્વર : પાર્થિવ ગોહિલ
સ્વરાંકન :પુરષોત્તમ ઉપાધ્યાય
સંગીત: ગૌરાંગ વ્યાસ

Older Entries Newer Entries

@Amit Trivedi