માછલીની આંખમાં ઘનઘોર દરિયો ઘૂઘવે
Jun 09
ગઝલ Comments Off on માછલીની આંખમાં ઘનઘોર દરિયો ઘૂઘવે
માછલીની આંખમાં ઘનઘોર દરિયો ઘૂઘવે
ફીણ થઈ પથરાયેલો આખ્ખોય કાંઠો ઘૂઘવે
સૂર્યોદયને વાર છે મોસૂઝણાને વાર છે
પંખીઓના વનમઢ્યા કલરવથી વૃક્ષો ઘૂઘવે
ફૂલ ઝાકળ રંગ ખુશ્બુ કઈ નથી બાકી હવે
ડાળ પર ખાલી પડેલો એક માળો ઘૂઘવે
અડધી રાતે કોટ ઠેકી એ ધસી આવે કદાચ
રાતની દીવાલ પાછળ એમ તડકો ઘૂઘવે
સૌ ઉતારા ક્યારના શોષાય ગયા
ને પ્રવાસીના પગોમાં ધૂળ રસ્તો ઘૂઘવે
કાન સૌ મંડાયેલા છે એના અંતિમ શ્વાસ પર
અડધો પડધો શબ્દ કાગળ પર અટૂલો ઘૂઘવે
મો ને આંખો બેઉ ખુલ્લા રહી ગયા આશ્ચર્યથી
કંઠે આદિલ મૌન થઈને એક ડૂમો ઘૂઘવે
-આદિલ મનસુરી
સ્વરઃ અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ
સંગીત : ડો ભરત પટેલ