ના, ના, નહીં ધિક્કારવા જેવો

Comments Off on ના, ના, નહીં ધિક્કારવા જેવો

 

ના, ના, નહીં ધિક્કારવા જેવો ,
માણસ અંતે ચાહવા જેવો .
ખૂણા-ખાંચા હોય છતાંયે,
માણસ એ તો મન મૂકીને ગીત ગઝલમાં ગાવા જેવો ,
માણસ અંતે ચાહવા જેવો .

હિમશિખાની શાતા જેવો , વડવાનલ કે લાવા જેવો,
અવસર માતમ લ્હાવા જેવો,
અંત વિનાના પ્રશ્નો પૂછે , કેવો માણસ? માણસ કેવો ?
માણસ તો માણસના જેવો ,
જેવો તેવો હોય છતાંયે સાચા દિલની વાહ વાહ જેવો ,
માણસ અંતે ચાહવા જેવો

– ડો સુરેશ દલાલ

સ્વર : સૌમિલ મુનશી
સ્વરાંકન : શ્યામલ – સૌમિલ

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે

Comments Off on તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે

 

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે

-શયદા

સ્વર : સોલી કાપડિયા
સ્વરાંકન : સોલી કાપડિયા

તારું કશું ન હોય તો છોડીને આવ તું

Comments Off on તારું કશું ન હોય તો છોડીને આવ તું

 

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારા જ નામનું,
હું એજ ઘર છું એજ ભલેને આવ તું.

પહેર્યું છે એ તું જ છે, ઓઢું છે એવું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.

“મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

– રાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય

સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

અંદર અંદર સળવળતી એક ઘટના

Comments Off on અંદર અંદર સળવળતી એક ઘટના

 

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

– સંજુ વાળા

સ્વર : ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ

આપણી આ વારતાને આદી ના અંત

Comments Off on આપણી આ વારતાને આદી ના અંત

ડો ભરત પટેલ

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એક એક તંત

બે વત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત
એવું કોઈ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઈશ્વર ભયભીત

કોઈ સાવ ધગધગતો લાવા કહેવાય
તો કોઈ નર્યા હોય શકે સંત

જાહેરમાં પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઈ
એટલેતો સૂરજને છત્રીથી છાવરીને
વિહરવાને નીકળે છે સાંઈ

છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી
યાતનાઓ ખૂલે અનંત

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એક એક તંત

– સંજુ વાળા

સ્વર : નિગમ ઉપાધ્યાય

સ્વરાંકન : ડો ભરત પટેલ

Older Entries

@Amit Trivedi