સાંજ પડીને ઘેર રહ્યો તો ખોળી

Comments Off on સાંજ પડીને ઘેર રહ્યો તો ખોળી

સાંજ પડીને ઘેર જવા હું સાથ રહ્યો તો ખોળી,
દીઠી મેં ત્યાં .. આવતી સામે..(૨) બાળા એક ભોળી,
સાંજ પડીને ઘેર જવા હું…

દીઠા તેના નેણ સુહાગી, સુહાગી નેણ તેના,
ધીમે રહીને પૂછ્યું તેને કોની કહે તું બહેના?!
લજામણીના છોડ સમી તે નમણી નાજુક વેલ,
બોલ સૂણીને આંખ ઢળી તે, આંખ તે નમેલી,
સાંજ પડીને ઘેર જવા હું…

કાળા કાળા કેશ તારા, કેશ તારા કાળા (૨)
દિન સાથે બેસી રજનીએ ગૂંથ્યા ક્યારે બાળા?(૨)
ગૌર ભરેલા વદને તેને ગોરા મુગ્ધ ગાલે,(૨)
નાનકડા બે ગુલાબ ખીલ્યા, ઊષા ખીલી કંઈ ગાલે (૨)
સાંજ પડીને ઘેર જવા હું…

અધીર ડગલા ભર્યા આગળ, ડગ ભર્યા મેં ચાર,
ઊંચી નીચી થતી મેં તેને, હૈયે દીઠી માળ (૨)
છાનીમાની શરમાતી ત્યાં આવી રાત કાળી,
હૈયે મારે ઢળી રહી મેં આતુર આંખ ઊઘાડી ..(૨)
સાંજ પડીને ઘેર જવા હું…
વેણી માથે ફૂલ ગૂંથ્યા મેં, ફૂલ ગૂંથ્યા મેં સાત,
કંઠે મારે રહ્યા વીંટાઈ નાજુક તે બે હાથ…!(૨)

-ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

સ્વર : નયન પંચોલી

સ્વરાંકન : છીપા

સંગીત : અમિત ઠક્કર

રુએ મારી રાત આ વાલમ

Comments Off on રુએ મારી રાત આ વાલમ

રુએ મારી રાત આ વાલમ, રુએ મારી રાત..(૨)
સાંભળી વાત રે વાલમ, સાંભળી છાની રાત..
એનો ચાંદો એના તારા, પૂછે એકબીજાને,
દિશા શાથી ભૂંસાઈ સઘળી, ધુમ્મસ ચોગમ શાને?

નો’ય ધુમ્મસ સજની મારી, નો’ય એ ઘેરા વાદળ,
નેણેના નિશ-દી નીર તપે એ તો ઝાકમળ
રુએ મારી રાત આ વાલમ, રુએ મારી રાત..(૨)

લાગે ભાળ તો દેજે તેને સંદેશો જઈ મારો(૨)
વેળા આવી તે જડશે નહીં રે, ઓરો કે ઓવારો,
પડશે નજરે ત્યાં નહીં કોઇ, સાથ ઘેરુ કે સથવારે,
રહેશે સાથ રે આંસુ જડનો વાલમ મારા ઘોર ઘૂઘવત ખારો

રુએ મારી રાત આ વાલમ, રુએ મારી રાત..(૨)

-ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

સ્વર :દિવ્યાંગ અંજારિયા
સ્વરાંકન : છીપા

સાધો, હરિવરના હલકારા

Comments Off on સાધો, હરિવરના હલકારા

સાધો, હરિવરના હલકારા સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા

અમે સંતના સોબતિયા નહીં જાદુગર કે જોશી,
ગુજરાતી ભાષાના નાતે નરસિંહના પાડોશી;
એની સંગે પરમસ્નેહથી વાડકીના વ્યવહારા….. સાધો, હરિવરના હલકારા

ભાષા તો પળમાં જોગણ ને પળમાં ભયી સુહાગી,
શબદ એક અંતર ઝકઝોરે ગયાં અમે પણ જાગી;
જાગીને જોઉં તો જગત દિસે નહીં રે દોબારા….. સાધો, હરિવરના હલકારા

સાધો, હરિવરના હલકારા સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા

– હરીશ મીનાશ્રુ

સ્વર : બિરેન પુરોહિત

મને પણ હું મારામાં ખોલી શકું તો

Comments Off on મને પણ હું મારામાં ખોલી શકું તો

મને પણ હું મારામાં ખોલી શકું તો,
તને એક પળ જો હું ભૂલી શકું તો.

સુગમ થાય થોડું, કયા માર્ગે જાવું,
ગયેલાં જનમને ટટોલી શકું તો.

બદલવા છે થોડા પ્રસંગોને મારે,
સમયનાં આ રણમાં ટહેલી શકું તો.

ન માંગુ તમારી અમોલી ક્ષણોને,
ભરેલી કો’ પળને હું ઝાલી શકું તો.

અમારી આ દુનિયા યે રંગાઈ જાશે,
કો’ શમણાંને પાંપણથી ખોલી શકું તો.

ભરી લઉં હું પ્રીતિની પીડાનું ભાથું,
વજનમાં જો ઊર્મિને તોલી શકું તો.

ભલે આયખું થાતું પુરું આ ક્ષણમાં,
તવ ઊર્મિનાં સાગરમાં ડોલી શકું તો.

– ઊર્મિ

સ્વર : અમન લેખડિયા
સ્વરાંકન : મેહુલ સુરતી

વનની તે વાટમાં તું ભૂલી પડી રે

Comments Off on વનની તે વાટમાં તું ભૂલી પડી રે

વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં,જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….

કાંટા બાવળનાં એ વીંધ્યે જોબનિયુંને..(૨)
વાયરામાં ચૂંદડીના ઊડે રે લીરાં,
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા અને,
હૈયાના લોલકનાં નંદાતા હીરા..(૨)
વનની તે વાટમાં…

વનની તે વાટ મહીં તું પડે એકલી,
આવી ગઈ આડી એક ઊંડી રે ખાઈ(૨)
જાને પાછી તું વળી, સાદ કરે તારી જૂની વનરાઈ(૨)
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં(૨)

જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….

-ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

ગાયકઃ પરાગી પરમાર
સ્વરાંકન : છીપા
સંગીત : અમિત ઠક્કર

Older Entries Newer Entries

@Amit Trivedi