ફરતાં ફરતાં નિર્જન વનમાં

Comments Off on ફરતાં ફરતાં નિર્જન વનમાં

ફરતાં ફરતાં નિર્જન વનમાં એક સહચરની યાદ આવી ગઈ
એક ડાળ હતી ને હતો માળો મુજને ઘરની યાદ આવી ગઈ

ત્યાં વેરવિખેર હતા ફૂલો ને એકલું બુલબુલ રોતું હતું
સૈયાદે દયાથી ખોલ્યું હતું તે પિંજરની યાદ આવી ગઈ

અરમાન વહીને દિલમાંથી પલકોના કિનારા શોધે છે
નયનોમાં તરતા જીવનને કોઈ સાગરની યાદ આવી ગઈ

સર્જન ને નાશ મહીં બુલબુલ એક સરખી સૌરભ લેતું રહ્યું
પીસાઈ રહેલા ફૂલોમાં કૈં અત્તરની યાદ આવી ગઈ

ત્યાં પાછળ માર્ગ હતો સૂનો ને આગળ પણ સૂમસામ હતું
એકાકી ‘નિરંજન’ને ત્યારે સચરાચરની યાદ આવી ગઈ

-નિનુ મઝુમદાર

સ્વર : મન્ના ડે
સ્વરાંકન : નિનુ મઝુમદાર

મને મારગે મળ્યા’તા શ્યામ

Comments Off on મને મારગે મળ્યા’તા શ્યામ

મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં મળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એને માથાનું મોરપિચ્છ વ્હાલે ધર્યું,
એની મોરલીની મીઠપથી છલક્યું ગળું,
મારી સંગે હળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એની આંખડીથી વૃંદાવન છલકી ગયું,
એના હોઠને વળાંક વ્હાલ મલકી ગયું,
મારે હૈયે ઢળ્યા’તા શ્યામ, કોણ માનશે?

-હરીન્દ્ર દવે

સ્વર : હિમાલી વ્યાસ
સ્વરાંકન : રસિકલાલ ભોજક

આજ ઘન વરસો ઘનશ્યામ

Comments Off on આજ ઘન વરસો ઘનશ્યામ

આજ ઘન વરસો ઘનશ્યામ,
રડતી વસુંધરા તરસી પુકારે,
ઘન વરસો ઘનશ્યામ.

મનનું ગગન ગોરું ગોરંભી લીધું,
પ્રીત પ્રલાપોનું ગર્જન કીધું,
તડપાવો શાને અજંપે ઓ ઘનશ્યામ,
ઘન વરસો ઘનશ્યામ.

વરસે વાદલડીના ઘોર અંધારે,
છલકે આંખલડીની અમિયલ ધારે,
પળ-પળ અંતર ઝંખે ઓ ઘનશ્યામ,
ઘન વરસો ઘનશ્યામ.

-ભાસ્કર વોરા

સ્વર : નીરજ પાઠક
સ્વરાંકન : રસિકલાલ ભોજક

નેણ રૂવે રે રાધાના

Comments Off on નેણ રૂવે રે રાધાના

નેણ રુવે રાધાના હો
જેમ ઝરમર નીર વરસે રે ગગનના
એમ નેણ રુવે રાધાના..

એનું પાયલ પ્રીતિ સું પાગલ
એનું ઉર હરણી સું ઘાયલ,
ગગને ચમકે રે ચાંદર તોયે,
શ્યામ મઢુલી મોહિની ચંદ્ર વિના
એમ નેણ રુવે રાધાના..

એ ભમતી રે વનરાવન,
એ ઝંખતી શ્યામના ચરણ,
ફૂલે ફાલ્યો રે ફાગણ તોયે,
કોરી બાંધણી રંગરસિયા વિના,
એમ નેણ રુવે રાધાના..

-હસુ પરીખ

સ્વર : હિમાંશુ મકવાણા
સ્વરાંકન : રસિકલાલ ભોજક

ઝાંઝર અલક મલકથી…

Comments Off on ઝાંઝર અલક મલકથી…

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

એને ઘૂઘરે ઘમકે તારલિયા,
એને પડખે ચમકે ચાંદલિયા,
એને મોઢે તે બેઠા મોરલિયા,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

એ રાજાએ માંગ્યું ઝાંઝરણું,
એ રાણીએ માંગ્યું ઝાંઝરણું,
તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

ઝાંઝર પહેરી હું પાણીડાં ચાલી,
મારી હરખે છે સરખી સાહેલી,
એને ઝમકારે લોકોની આંખો જલી,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

-સુંદરમ

સ્વર : હિમાલી વ્યાસ
સ્વરાંકન :રસિકલાલ ભોજક

Older Entries Newer Entries

@Amit Trivedi