દર્દને ગાયા વિના

Comments Off on દર્દને ગાયા વિના

દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો.

બીક લાગે કંટકોની જો સતત,
ફૂલનો સુંઘો નહીં જોયા કરો.

કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો.

લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

– કૈલાસ પંડિત

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

હું એક તારો

Comments Off on હું એક તારો

હું એક તારો… હું એક તારો
૨ટણ મમ ત્હારાં અહર્નિશ
તું થકી ઝંકૃત…નિરંતર… હું એક તારો

દેહ તુંબી… મનની ખુંટી
હૃદય થઈ જે તાર લાધ્યો
તું હી તુંહી જે રટે તે… હું એક તારો.

સાત સ્વર સંગીત સર્જક
એક થઈ રણકી રહ્યો છે
ભજનથી ભર પાર તરતો… હું એક તારો

કર કમલ મીરાંને શરણે
કૈંક ભક્તોના ચરણમાં
સર્વ મંદિર સ્વર્ગ ગણતો… હું એક તારોરમેશ પટેલ

– “પ્રેમોર્મિ

સ્વરઃ મૃગાંક મજમુદાર
સ્વરાંકન : કલ્પક ગાંધી

સૌજન્ય : સંજય રાઠોડ, સુરત

વાંસળીથી વિખૂટો થઈ ને

Comments Off on વાંસળીથી વિખૂટો થઈ ને

વાંસળીથી વિખૂટો થઇને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય..
કે મારગની ધૂળને, ઢંઢોળી પૂછે, મારા માધવને દિઠો છે ક્યાંય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય..

યમુનાના વ્હેણ, તમે મૂંગા છો કેમ? કેમ રાધાની આંખ આ ઉદાસ…
વહી જતી લહેરખી ને વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ…
કે બાવરી વિભાવરી ના પગલાંથી લાગણીની રાતરાણી ઝાકળથી ન્હાય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. – વાંસળીથી વિખૂટો

ઉડતું આવે જો અહીં મોરપિચ્છ તો તો અમે રાખશું સુંવાળા રંગ…
મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક…
કે જળમાં આ તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિ પરખાય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. – વાંસળીથી વિખૂટો……

-હરીન્દ્ર દવે

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય

Comments Off on ઝૂકી પડ્યો ઊંચો હિમાલય

 

 

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો

જરૂર પડી જગદીશ્વરને પણ ગાંધી જેવા જણની
એણે ખૂંચવી લીધી મોંઘી માટી આ ભારતની

એના વિના ના મારગ સૂઝે આતમડો અટવાઇ ગયો
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો

એની હિસા જેણે ના કદી હિંસાનો વિચાર કર્યો
એની ચિતાને ચેતવનારો અગ્નિ પણ શરમાઇ ગયો

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો

– અવિનાશ વ્યાસ

સ્વર : ગૌરવ ધૃવ
સ્વરાંકન : અવિનાશ વ્યાસ

સૌજન્ય : પ્રણય વસાવડા

સ્વર્ગથી આશિષ

Comments Off on સ્વર્ગથી આશિષ

સ્વર્ગથી આશિષ તમે આપો પપ્પા,
હાથ મારા શીશ પર રાખો પપ્પા.

વૃક્ષનો એ છાંયડો બનતાં તમે,
આવનારા દુઃખ દર્દ કાપો પપ્પા.

ભીંત પર ફોટો નથી, છે લાગણી,
જીંદગીભર સાથમાં લાગો પપ્પા.

આપ તો દિલમાં વસો છો રાત’ દી,
છે તમારો આશરો સાચો પપ્પા.

આપને જોનાર પણ નાં ઓળખે,
માનવીમાં દેવતા લાગો પપ્પા.

-પ્રશાંત સોમાણી

સ્વરઃ ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ

Older Entries Newer Entries

@Amit Trivedi